અ'વાદ: પટેલ વૃદ્ધાની હત્યા જમાઈએ કરાવી'તી, 5 લાખની આપી'તી સોપારી

  • Divyabhaskar.co.in
  • Dec 28, 2017, 04:47:00 PM IST

અમદાવાદ: ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગર વિભાગ -2 ના વિશાળ બંગલામાં એકાકી જીવન જીવતા 80 વર્ષીય વૃદ્ધા રંભાબહેન પટેલની ગળેટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ ઘરમાં કોઈ લૂંટ ન થતાં પોલીસે જાણભેદુ જ હત્યા માટે જવાબદાર હોવાનું માનતી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં વૃદ્ધાની હત્યા કરાવનાર તેનો ત્રીજા નંબરનો જમાઈ જ હોવાનું બહાર આવ્યું હતું. તેણે વૃદ્ધાની હત્યા કરવા માટે 5 લાખની સોપારી આપી હતી.

 

કેમ કરાવી સાસુની હત્યા?

 

આ હત્યા પ્રકરણમાં પોલીસને રંભાબહેન પટેલના જમાઇ રમેશ પટેલ પર શંકા ગઇ હતી. જે બાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા તેમની સધન પૂછપરછ કરાઇ હતી. જેમાં રમેશ પટેલે ગુનાની કબૂલાત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રમેશ પટેલેને રેતીના ધંધામાં નુકસાન થતાં દેવું થઇ ગયું હતું. જ્યારે સાસુ રંભાબહેનને કોઇ દીકરો ન હોવાથી તેમની સંપત્તિ હાંસલ કરી દેવું ભરપાઇ કરવા માટે તેમણે સાસુની હત્યા માટે મુંબઇમાં એક ઓળખીતાના મધ્યસ્થીથી સોપારી આપી હતી.


રમેશ પટેલ નામના વૃદ્ધાના જમાઈએ જ તેમની હત્યા કરી હોવાનું ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું. હત્યા મિલકત મેળવવા માટે કરાવી હોવાનું તેણે ક્રાઈમ બ્રાન્ચ સામે કબૂલ્યું હતું. સિનિયર સિટિઝનની હત્યાના પગલે પોલીસ પર ચોમારેથી આક્રોશ વરસી રહ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે વૃદ્ધાની હત્યા કરાવનાર જમાઈને દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

આગળની સ્લાઈડ્સ રંભાબેન કોઈને જલદી ઘરમાં પ્રવેશવા દેતાં ન હતાં...